નસ કપાઈ જાય છે પણ લોહી બહાર નથી નીકળતું.
વહી જતું લોહી આંતરડામાં ભેગુ થઈ
જીવંતતા ચૂસી લે છે ને પછી આહ! સાથે
પારદર્શક લોહીનો ડૂમો;
ઓડકાર સ્વરૂપે મોઢામાંથી બહાર નીકળે છે.
ધીરે ધીરે સુકાતા જતાં માણસના અંગો એક પછી એક
દાક્તરો પાસે તપાસ કરાવતા કરાવતા થાકી જવાય છે બધી રીતે.
કિડની, લીવર, ફેફસાં, પેટ ને બધુંય મશીને ચડ્યું પણ
કરામતી અંગો મશીન પર સાજા થવાનું નાટક કરી જાણે છે,
એ પકડાતા જ નથી.
અચાનક! એક વેળા દૂર દેશથી વર્ષો પછી આવેલા દોસ્તારનો
હાથ પડે છે નમી ગયેલા ખભા પર ત્યાં જ જાણે એને ખભાની નીચે કંઇક તકલીફ જણાય છે ને સંજોગોવશાત નસ
કપાવાથી લઈને જીવંતતા ઓડકાર સ્વરૂપે નીકળી જવામાં દોસ્તાર દ્વારા હૃદય પર શંકા જાય છે.
હવે હૃદય હોય ત્યાં મન પણ આપમેળે તાગ લે. ચાલું થાય છે,
મન હૃદયને ઉલેચવાનાં પ્રયત્નો, શબ્દ દાક્તર હૂંફ ને બધુંય.
છેવટની તપાસમાં હૃદયની વચ્ચે કંઇક ફસાયેલું જોવા મળે છે.
સ્મરણના ઇન્જેક્શન આપી ઘેનમાં આવેલા શરીર પર સર્જરી થાય છે. બાદમાં જ્યારે બે આંખો ધીમે ધીમે ખૂલે છે તો સામે ધૂંધળા બે ઢબુડા, મા અને અર્ધાંગિની દેખાય છે. તરત જ દાક્તર પાસે આવી સફળ સર્જરીની હર્ષભેર જાણ
કરતાં હૃદયની વચ્ચે ફસાયેલી વસ્તુ બતાવે છે અને કહે છે આ વસ્તુની ખાલી જગ્યા પૂરવા બીજી ચાર વસ્તુ હૃદયની વચ્ચે ફીટ કરવી પડશે.
ફસાયેલી વસ્તુ એક ફોટો હતો: ' મારા સ્વ.બાપનો!'

No comments:
Post a Comment